નવી દિલ્હી: 30 લાખની બેઝ પ્રાઈઝવાળા એક ધાકડ ઓલરાઉન્ડર પર ચેન્નઈ સુપર કિંગ્સે મિની ઓક્શનમાં છપ્પરફાડ પૈસા વરસાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ સ્ટાર પર 14.20 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવી હતી. જેણે તેને ઓક્શનમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બનાવી દીધો. હકીકતમાં જોઈએ તો, આ ખેલાડી યુપી માટે રમતો પ્રશાંત વીર છે. 20 વર્ષના પ્રશાંતને ખરીદવા માટે 5 ટીમોએ બોલી લગાવી, પણ છેલ્લે સીએસકેએ તેને પોતાની ટીમમાં લઈ લીધો. પ્રશાંત માટે બોલીની શરૂઆત લખનઉ સુપર જાયન્ટ્સે કરી હતી. ત્યાર બાદ મુંબઈ ઇન્ડિયન્સે 1.10 કરોડ સુધીની બોલી લગાવી. મુંબઈએ પાછી પાની કરતા ચેન્નઈ સુપર કિંગ્સે બિડિંગ શરૂ કરી. 4 કરોડ પર પહોંચતા લખનઉએ પગ પાછા ખેંચી લીધા, જે બાદ સીએસકે અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બિડિંગ વૉર ચાલુ થયું. 6.40 કરોડ પહોંચીને રાજસ્થાનની ટીમ પણ પાછી હટી ગઈ. પછી એન્ટ્રી થઈ સનરાઇઝર્સ હૈદરાબાદની. હૈદરાબાદ અને ચેન્નઈની વચ્ચે લાંબી ચાલેલી બિડિંગ વૉરમાં પ્રશાંતની બોલી 10 કરોડને પાર પહોંચી અને છેલ્લે 14.20 કરોડ રૂપિયા સાથે ચેન્નઈએ આ ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં લઈ લીધો.