અમિતાભ બચ્ચનના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં સુપરસ્ટાર કાર્તિક આર્યન અને અભિનેત્રી અનન્યા પાંડે જોવા મળ્યા હતા. આ દરમિયાન કાર્તિકે બિગ બીને જયા બચ્ચન સાથે જોડાયેલો એક સવાલ કર્યો હતો, જેનો સવાલ સાંભળીને ફેન્સ ખડખડાટ હસી પડ્યા હતા.
ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) સીઝન 17 આ દિવસોમાં માત્ર તેના સવાલો માટે જ નહીં, પણ સેલિબ્રિટી મહેમાનો સાથેના અમિતાભ બચ્ચનના મજેદાર સંવાદો માટે પણ ચર્ચામાં છે. હાલના એક એપિસોડમાં બોલિવૂડના યંગ સુપરસ્ટાર કાર્તિક આર્યન અને અભિનેત્રી અનન્યા પાંડે તેમની આગામી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા’ (Tu Meri Main Tera)ના પ્રમોશન માટે હોટ સીટ પર જોવા મળ્યા હતા.
‘કૌન બનેગા કરોડપતિ’ના આગામી એપિસોડમાં હોસ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની પત્ની અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન સાથેના તેમના સંબંધો સાથે જોડાયેલા કેટલાક અંગત અને મજેદાર કિસ્સાઓ શેર કરતા જોવા મળશે. સોશિયલ મીડિયા પર ચેનલના ઓફિશિયલ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, હોટ સીટ પર બેઠેલા કાર્તિક આર્યન અમિતાભ બચ્ચનને તેમની પત્ની જયા સાથેના સંબંધો વિશે કેટલાક અંગત સવાલ પૂછે છે. કાર્તિકે પૂછ્યું કે, શું જયા બચ્ચનને અમિતાભ બચ્ચનના ફોનનો પાસવર્ડ ખબર છે? કાર્તિક આર્યનના આ સવાલ પર અમિતાભ બચ્ચન હસી પડ્યા અને મજાકિયા અંદાજમાં બોલ્યા કે, ‘પાગલ હો ક્યાં? હમ ઉનકો બતા દેગે…’ એટલું જ નહીં, કાર્તિકે આગળ પૂછ્યું કે, શું તમે જયાજીથી છુપાઈ-છુપાઈને ખાવ છો? આ સવાલ પર પણ બિગ બી હસી પડ્યા હતા.

