મહેસાણા બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડાનું તેમની પત્ની અને દીકરી સાથે લિબિયામાં અપહરણ થયું છે, ત્યારે શું છે આખો મામલો અને શું કહ્યું તેના પરિવારજનોએ આવો જાણીએ.. મહેસાણા: વિદેશમાં સારું જીવન જીવવાની લહાયમાં ગુજરાતના ઘણા પરિવારો એજન્ટોના જાળમાં ફસાઈ જાય છે. આવી જ એક દુ:ખદ ઘટના મહેસાણા જિલ્લાના બદલપુરા (મેઉ) ગામના ચાવડા પરિવાર સાથે બની છે. પોર્ટુગલ જવા નીકળેલા કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન અને માત્ર 3 વર્ષની પુત્રી દેવાંશીબા હાલ લિબિયામાં બંધક બનાવાયા છે. એજન્ટોએ તેમને દુબઈથી યુરોપના રૂટ પર મોકલવાના બહાને લિબિયા પહોંચાડી દીધા છે, જ્યાં અપહરણકર્તાઓએ તેમને એકાંત સ્થળે ગોંધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે.
મળતી માહિતી મુજબ, આ પરિવાર ગત 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો. કિસ્મતસિંહનો એક ભાઈ પોર્ટુગલમાં રહે છે, તેથી તેઓ ત્યાં સ્થાયી થવા માંગતા હતા. પરંતુ દુબઈના એજન્ટોએ તેમને છેતરીને લિબિયા મોકલી દીધા છે. લિબિયા પહોંચતાં જ તેમનું અપહરણ થયું અને એકાંત જગ્યાએ બંધક બનાવી દેવાયા છે.
અપહરણકર્તાઓએ પરિવારના સગાઓને વોટ્સએપ પર મેસેજ મોકલીને કહ્યું છે કે, “2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે…” તેઓ પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. પીડિત પરિવારના સગા મહિપતસિંહે જણાવ્યું કે, તેઓએ ભત્રીજા કિસ્મતસિંહ સાથે ટેલિફોનિક વાત પણ કરી છે, જેમાં તેમની મુસીબતની વાત સામે આવી.