ભાવનગરમાં મહિલાઓની આત્મનિર્ભરતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જવાહર મેદાન ખાતે 19 થી 21 ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ મેળામાં જિલ્લાની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો અને હસ્તકલા સામગ્રીનું પ્રદર્શન તથા વેચાણ થશે, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણની જીવંત ઝલક રજૂ કરશે.
ભાવનગર: હાલના સમયમાં મહિલાઓ સમાજમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. પહેલાં, જ્યાં મહિલાઓને માત્ર ઘરકામકાજ સુધી સીમિત માનવામાં આવતી હતી, ત્યારે આજે તેઓ નાનો-મોટો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આત્મનિર્ભર બની રહી છે. તેઓ પોતાની અંદર રહેલી કળા, આવડત અને મહેનતના બળે આર્થિક રીતે સશક્ત બની પરિવારને મદદરૂપ બની રહ્યા છે. ઘણી મહિલાઓ ઘરેથી જ પાપડ, અથાણાં, મસાલા, નાસ્તા, બેકરી આઇટમ્સ, હાથથી બનાવેલી વસ્તુઓ, સિલાઈકામ, જ્વેલરી, હસ્તકલા જેવી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને પોતાનો વ્યવસાય શરૂ કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ સ્વસહાય જૂથો બનાવી સાથે મળીને કામ કરે છે, જેનાથી તેમની આવકમાં વધારો થાય છે.
આજના સમયમાં વિવિધ શહેરોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે મેળા, એક્ઝિબિશન અને “સશક્ત નારી મેળા” જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં મહિલાઓ પોતાની હસ્તકલા દ્વારા બનાવેલી સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરે છે. તેવી જ રીતે ભાવનગરમાં પણ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના જવાહર મેદાન ખાતે 19 થી 21 ડિસેમ્બર સુધી આ મેળો યોજાશે અને જ્યાં 100 જેટલા સ્ટોલ મૂકવામાં આવશે. અહીં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે.