સુરતના અલથાણમાં માટી ધસવા મામલે બિલ્ડરની મોટી બેદરકારી સામે આવી છે. જમીનની નીચે 15 ફૂટે પાણી આવ્યા બાદ પણ બિલ્ડરે કામ અટકાવ્યું ન હતુ. ત્રણ લેયરમાં બેઝમેન્ટ બનાવવા ખોદકામ ચાલુ જ રાખ્યું હતુ.જેમાં આજે કેટલાયે પરિવારને રોવાનો વારો આવ્યો છે.
સુરત: શહેરના અલથાણા વિસ્તારમાં બુધવારે નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન પાર્કિંગની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે સુરત મહાનગર પાલિકાએ આ નિર્માણાધીન પ્રોજેક્ટની બાજુમાં આવેલી શિવ રેસીડન્સીમાં રહેતા તમામ લોકોને નોટિસ આપીને ઘર ખાલી કરવા જણાવ્યું છે. આજે સવારથી આ લોકો પોતાનું ઘર ખાલી કરીને તેમના સગા સંબંધી કે હોટલોમાં આશરો લેવા મજબૂર થઈ રહ્યા છે. બીજી તરફ સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરતા ડેવલોપર, આર્કિટેકના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
મનપાએ કેમ નોટિસો આપી?
નવા પ્રોજેક્ટની દીવાલ ધરાશાયી થતા બુધવારે પાર્કિંગનો ભાગ બેસી ગયો હતો. જેના કારણે 15થી વધુ વાહનોને નુકસાન થયું છે. અહીં મહાનગર પાલિકાએ સિક્યુરિટી ટીમો પણ મુકી દીધી છે. આ સાથે મહાનગર પાલિકાએ નોટિસો આપીને મકાન ખાલી કરાવી દીધા છે. તો બીજી બાજુ માટી પુરાણનું કામ ચાલું છે તે થયા બાદ પ્રોટેક્શન વોલ બનશે.