અત્યાર સુધી તમે હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં કારને રસ્તા પરથી સીધી આકાશમાં ઉડતી જોઈ હશે. ઘણા સમયથી આ એક કલ્પના માત્ર લાગતી હતી, પરંતુ હવે તે હકીકત બની ગઈ છે. દસ વર્ષની સખત મહેનત અને અનેક પરીક્ષણો બાદ વિશ્વની પહેલી રિયલ ‘ફ્લાઈંગ કાર’ વેચાણ માટે તૈયાર છે. તમે ઘણી ફિલ્મોમાં ઉડતી કાર જોઈ હશે. એક સમય હતો જ્યારે આ કલ્પના માત્ર ફિલ્મો પૂરતી સીમિત લાગતી હતી. અત્યાર સુધી હવામાં ઉડતા વાહનોમાં માત્ર હેલિકોપ્ટર અને એરોપ્લેન જ હતા, પરંતુ હવે તેમાં ઉડતી કારનો પણ સમાવેશ થઈ ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી અનેક કંપનીઓ ઉડતી કાર બનાવવા પર કામ કરી રહી હતી, પરંતુ હજુ સુધી કોઈને સંપૂર્ણ સફળતા મળી નહોતી. જ્યારે પણ કોઈ કંપની સફળતાની નજીક પહોંચતી, ત્યારે કોઈને કોઈ અવરોધ આવી જતો હતો. પરંતુ હવે તમને આકાશમાં ઉડતી કાર જોવા મળશે.
‘અલેફ મોડલ A’ એ આકાશમાં ઉડીને રચ્યો ઈતિહાસ
હાલમાં જ ‘અલેફ મોડલ A’ (Alef Model A) અલ્ટ્રાલાઈટે આકાશમાં ઉડાન ભરીને રેકોર્ડ બનાવી દીધો છે. આ કાર પહેલા જમીન પર દોડતી જોવા મળતી હતી, પરંતુ હવે આગળ અને પાછળના ભાગમાં લાગેલા પ્રોપેલર્સની મદદથી તે હવામાં ઉડી હતી. જ્યારે રસ્તા પર ટ્રાફિક ન હોય ત્યારે તમે તેને સામાન્ય કારની જેમ દોડાવી શકો છો, પરંતુ તમને લાગે છે કે, લાંબો ટ્રાફિક જામ છે અને સમય બગડી રહ્યો છે તો તમે આ કારને ‘ફ્લાઈટ મોડ’માં નાખીને આકાશમાં ઉડાવી શકો છો. આ કાર બનાવવાનું કામ છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યું હતું. હવે અલેફ એરોનોટિક્સ (Alef Aeronautics) એ તેને ગ્રાહકો માટે લોન્ચ કરવાની જાહેરાત કરી છે.